ભાદરવા સુદ દાન અને વામન એકાદશી:- ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ પોઢે છે અને દેવપ્રબોધિની એકાદશીએ જાગે છે. પરંતુ ભાદ્ર સુદ એકાદશીએ પ્રભુ પડખું ફરે છે તેથી આ એકાદશીને ભગવાન વિષ્ણુને માનતા વૈષ્ણવો પરિવર્તીની એકાદશી તરીકે ઓળખે છે. પરંતુ આ દિવસે વ્રજમાં નંદ યશોદાને ત્યાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસાના શુદ્ધ જળને ઝીલ્યું હોવાથી ભગવાન કૃષ્ણને માનનારા વૈષ્ણવો જળઝીલણી એકાદશી તરીકે ઓળખે છે. આ દિવસે વ્રજભક્તો વર્ષાઋતુમાં યમુનાનદીમાં આવેલું નવું નીર શુધ્ધ થઈ જાય તેવા આશયથી શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડી નૌકા વિહાર કરાવે છે. આ દિવસે શ્રી કૃષ્ણે ગોપીઓના માનનું મર્દન કરી સાંકડીખોર અને દાનઘાટીમાં મહી ગોરસનાં માટલાં ફોડી નાખ્યાં હતાં તેથી આજે પણ આ દિવસે વ્રજ પરિક્રમા સમયે ગોસ્વામી બાલકો વૈષ્ણવો પાસેથી દાન લે છે. પુષ્ટિમાર્ગમાં દાનલીલાની શરૂઆત ભાદરવા સુદી ૧૧થી થાય છે જે ભાદરવા વદી અમાસ સુધી ચાલે છે. આ એકાદશી એ વામન જયંતિ તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુનો પંચમ અવતાર એ વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. બટુક વેશમાં પધારેલા પ્રભુ વામન ભગવાને બલિરાજા પાસેથી ત્રણ પગલાંની ભૂમિ માંગી. તે ત્રણ પગલાંમાંથી બે પગલાં દ્વારા તેમણે બલિરાજાનું આખું સામ્રાજ્ય લઈ લીધું છે, અને ત્રીજા પગલાની ભૂમિ વખતે બલિરાજાની વિનંતી મુજબ ભગવાને બલિરાજાનાં મસ્તક પર પોતાનો પગ મૂક્યો છે અને તે સાથે બલિરાજાને પાતાલ પ્રદેશનું રાજ્ય સોંપ્યું છે. આજ કથાને બીજા સંદર્ભમાં જોઈએ તો ત્રીજા પગલાં વખતે બલિરાજાએ સંપૂર્ણ રીતે વામન ભગવાનની શરણાર્ગતિ સ્વીકારી છે, આમ પ્રભુ ભક્ત ઉદ્ધારક બન્યા છે. વામન જયંતિએ પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં રાજભોગ સમયે શાલીગ્રામજીને પંચામૃત સ્નાન કરવામાં આવે છે. એજ રીતે જોવા જઈએ તો આ એક જ એકાદશી પરિવર્તિની એકાદશી, દાન એકાદશી, જલઝીલણી એકાદશી અને વામન એકાદશી એમ વિવિધ નામે ઓળખાય છે.
top of page
bottom of page
Comments