શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)
પ્રથમ શ્લોક
નમામિ યમુનામ્ અહં સકલ-સિદ્ધિ-હેતું મુદા
મુરારિ-પદ-પંકજ-સ્ફુરદમન્દ-રેણુત્કટામ્।।
તટસ્થ-નવકાનન-પ્રકટ-મોદ-પુષ્પામ્બુના
સુરાસુર-સુપૂજિત-સ્મરપિતુ: શ્રિયં બિભ્રતીમ્।।૧।।
ભાવાર્થ : (૧) અલૌકિક સર્વ સિદ્ધિઓને આપનારાં; (૨) મુર નામના દૈત્યના શત્રુ શ્રીકૃષ્ણના ચરણકમલની રેણુ (રજ) કે જે સેવોપયોગી દેહાદિને મેળવી આપવા માટે સક્ષમ છે તે રેણુ જેનામાં પ્રચુર માત્રામાં ભળી ગયેલ છે એવાં, (૩) પોતાના તટની નિકટ આવેલા નૂતન વનરાજિનાં પ્રફુલ્લિત પુષ્પોની સુગંધથી સભર એવાં પવિત્ર જળ વડે સુર અને અસુરો દ્વારા સારી રીતે સેવા કરાયેલાં, (૪) સ્મર (કામદેવ-પ્રદ્યુમ્ન) ના પિતા શ્રીકૃષ્ણની શોભાને ધારણ કરનારાં શ્રીયમુનાજીને, (૫) હું હર્ષપૂર્વ (મુદા) નમન કરું છું.
વિવેચન : હું નમન કરું છું. હું એટલે કોણ? હું એટલે શ્રીમહાપ્રભુજી અને હું એટલે શ્રીમહાપ્રભુજીના સેવકો એવા આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, પુષ્ટિસ્વરૂપા યમુનાજીને નમન કરીએ છીએ. કેવી રીતે નમન કરીએ છીએ? મુદા એટલે કે હર્ષપૂર્વક, પ્રફુલ્લિત ચિત્તે નમન કરીએ છીએ. પરંતુ નમન શા માટે? શ્રીયમુનાજીનાં ગુણગાન શા માટે કરતા નથી? શ્રીયમુનાજીનાં યથોચિત ગુણગાન કરવાને બદલે તેમને કેવળ નમન કરવાનાં ઘણાં કારણોમાંથી ચાર કારણો હું તમને કહીશ.
(૧). શ્રીયમુનાજી સકલ સિદ્ધિનાં દાતા છે. જો તમારે શ્રીયમુનાજી પાસેથી કોઈ અલૌકિક સિદ્ધિનું દાન જોઈતું હોય તો નત મસ્તકે, બે હાથ જોડીને યમુનાજી પાસે જઈને સિદ્ધિનું દાન માગો. એ માટે નમન કરવું આવશ્યક છે.
(૨). શ્રીયમુનાજી પરમ ઐશ્વર્યશાળી છે. તેઓ શ્રીકૃષ્ણનાં સમાન ધર્મી છે. જીવ ઈશ્વરના ગુણોનું યથોચિત ગાન ક્યારેય કરી શકતો નથી. કહ્યું છે ને કે ઈશ્વરમાં યથોચિત ગુણગાન તો સ્વયં શારદા (સરસ્વતી) કે સહસ્ત્ર જીભવાળા શેષ પણ કરી શકતા નથી તો પછી એક સાધારણ જીવ તો તે કેમ જ કરી શકે? એ હકીકતને ધ્યાનમાં લઈને, આચાર્યશ્રીએ આજ્ઞા કરી છે કે -
જીવૈસ્તુ ભગવતી નમનમેવ કાર્યં નાન્ય:।
શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવોની શક્તિની મર્યાદા છે : પ્રભુના ગુણો (યમુનાજીના પણ - અનંત ગુણ ભૂશિતે) અનંત છે. જીવ એ બધા ગુણોનું અંશ માત્ર ગાન પણ ન કરી શકે. તો પછી તેણે શું કરવું? તો કહ્યું છે કે બે હાથ જોડી, મસ્તક નમાવી, શ્રીચરણોમાં નમન કરવું. ન અન્ય. એટલે કે બીજુ કશું ન કરવું. નવવિદ્યા ભક્તિમાં પણ વંદનભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે, તે એટલા માટે જ.
(૩). શાસ્ત્રો કહે છે, "પ્રભુ નિર્ગુણ છે; ગુણાતીત છે. એવા નિર્ગુણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને નમન જ કરી શકાય; બીજું કશું નહીં. શ્રીગોકુલનાથજી આજ્ઞા કરે છે, "પ્રભુ દિવ્ય છે; ઇન્દ્રિયોથી અગમ્ય - અપ્રાપ્ય છે." જો પ્રભુ ઇન્દ્રિયોથી અપ્રાપ્ય હોય અને જાણી શકાય તેવા ન હોય તો પ્રભુના એ સ્વરૂપમાં કોઈપણ જીવની ગતિ ન થઈ શકે, તો પછી તેને માત્ર નમન જ કરવું યોગ્ય છે.
શ્રીમદાચાર્યચરણે શ્રીસુબોધિનિજીમાં, "નમો નમસ્તે વૃષભાય સાત્વતામ્ - આ શ્લોકનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે 'જીવને ભગવાનની પ્રાપ્તિમાં અનધિકાર હોવાના કારણે તેણે ભગવાનને કેવળ નમન જ કરવાનું છે.' જીવ પોતાની સાધન-સંપત્તિ વડે પ્રભુને પ્રાપ્ત ન કરી શકે. પ્રભુ જે જીવનું વરણ કરે તેને તે પ્રાપ્ત થાય છે. તો પછી જીવ પ્રભુને નમન કરે એ ઉચિત છે.
(૪) જીવ અલ્પજ્ઞ છે; તે સ્વભાવથી દુષ્ટ છે. અર્થાત તે દોષોથી ભરેલો છે. એટલા માટે દૈન્ય ભાવથી ભગવાનને નમન કર્યા સિવાય તેનામાં બીજું કશું કરવાની શક્તિ નથી. શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી સમાનધર્મી હોવાથી, જે રીતે જીવો પ્રભુને નમન કરીને પછી જ બીજા બધાં કાર્યો કરે છે તે પ્રમાણે તેમણે યમુનાજીને પણ નમન કરીને પછી જેવી આવડે તેવી કાલીઘેલી ભાષામાં યમુનાજીની સ્તુતિ કરવાની છે.
નમન કર્યા પછી આપણે સ્તુતિ કરવાની છે એવું કહેવામાં આવ્યું. તો ભલે; આપણે આપણા ગુરુદેવની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશું. પરંતુ આપણે એ નમન અને એ સ્તુતિ કેવી રીતે કરવાનાં છે? તો કે મુદા - પ્રસન્ન ચિત્તે કરવાનાં છે. ઉતાવળે, ચંચળ મનથી કરવાના નથી. પ્રસન્ન મુખ મુદ્રા અને સ્વસ્થ ચિત્તે, શાંતિથી શ્રીમહારાણીજીને નમન કર્યા પછી તેમની સ્તુતિ અર્થાત યમુનાષ્ટકનો પાઠ કરવાનો છે, એ યાદ રાખવું.
યમુનાષ્ટકમાં આપણે કોની સ્તુતિ કરવાની છે? શ્રીયમુનાજીની. પરંતુ એ યમુનાજી કેવા છે? પ્રથમ શ્લોકમાં શ્રીમદાચાર્યચરણે શ્રીયમુનાજી મહારાણીજીની ચાર વિશેષતાઓ બતાવી છે. એ ચાર વિશેષતાઓ?
યમુનાજી (૧) સકલ સિદ્ધિઓને આપનારાં છે. (૨) પોતાના જળમાં શ્રીકૃષ્ણની ચરણરજ પ્રચુર માત્રામાં હોવાથી, યમુના જળમાં સ્નાન કરનાર જીવોના દેહને સેવાપયોગી બનાવી આપવાની ક્ષમતા ધરાવતાં છે, (૩) કિનારા ઉપરનાં વૃક્ષો ઉપર લાગેલાં પુષ્પોની સુગંધ વડે સુગંધિત બનેલ જળવડે સુર-અસુરોથી સેવાયેલાં છે. અને (૪) સ્મર પિતુ કહેતાં કૃષ્ણની શોભા ધારણ કરનારાં છે. આપણે એ ચારે વિશેષતાઓને યથાર્થ રીતે સમજવી પડશે.
(૧). સકલ સિદ્ધિઓને આપનારાં : શ્રીયમુનાજી સર્વ સિદ્ધિઓને આપનારાં છે. શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં, જેનામાં ભગવદાવેશ છે એવા સનકાદિકોમાં, અણીમા, ગરીમા આદિ આઠ સિદ્ધિઓ હોવાનું કહ્યું છે. પરંતુ એ બધી સિદ્ધિઓ લૌકિક છે; અલૌકિક નથી. જ્યારે શ્રીયમુનાજી પોતે અલૌકિક છે અને એશ્વર્યશાળી છે. તેથી તેઓ જે સિદ્ધિ આપે તે બધી અલૌકિક જ હોય. આમ શ્રીયમુનાજી જીવને આઠ અલૌકિક સિદ્ધિઓ આપે છે. એ સિદ્ધિઓ આ પ્રમાણે છે :-
(ક) પ્રભુની લીલાઓનું અવલોકન કરવું : એ એક સિદ્ધિ કહેવાય. યોગશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે યોગની ક્રિયાઓ કરનાર યોગીઓને ઇન્દ્રિયો દ્રારા ન સમજાય કે ન દેખાય તેવો પદાર્થ (પરમ તત્ત્વ) દેખાય છે. અર્થાત તેને પરમ તત્ત્વને જોવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવું જ અહીં સમજવું. શ્રીયમુનાજીના સેવનથી નિર્ગુણ પૂર્ણ પુરુષોત્તમની લીલાઓને, કે જે ઈન્દ્રિયો દ્વારા અગમ્ય, અગોચર છે તે લીલાઓને નિરખવાની શક્તિ એટલે કે સિદ્ધિ મળે છે. તાત્પર્ય એ કે શ્રીયમુનાજી નિજ ભક્તોને ભગવાનની લીલાઓ. જોવા માટે દિવ્ય ચક્ષુ આપે છે.
(ખ) ભગવદ્ રસનો અનુભવ કરવાની સિદ્ધિ : પ્રભુનું સ્વરૂપ ભાવાત્મક છે. ભાવ જોવાની વસ્તુ નથી; અનુભવવાની વસ્તુ છે. શ્રીયમુનાજીના ભક્તો તે ભાવાત્મક સ્વરૂપને પામીને તે દ્વારા મળતાં રસનો અનુભવ કરી શકે છે.
(ગ) સર્વાત્મ્ ભાવની સિદ્ધિ : એટલે કે સર્વમાં ભગવદ્ ભાવ થવો તે. યમુનાજીના ભક્તો સર્વમાં - પ્રાણીમાં, જડ-ચેતનમાં - એક જ પરમાત્મા છે એવું સમજી શકે છે. "નામ રૂપ વિભેદન જગત ક્રિડતી યો યત:" અર્થાત જુદાં જુદાં નામે જુદાં જુદાં રૂપોમાં તેને ભગવાન જ દેખાય છે.
(ઘ) યમુનાજીના સેવનથી એટલે કે સ્નાન પાનથી દેહ શુદ્ધ બને છે અને તેના સકલ દોષો દૂર થઈ જાય છે. પછી જીવનો એવો એ શુદ્ધ દેહ ભગવાનની સેવા કરવાનો અધિકારી બને છે. અર્થાત તે જીવને સેવાપયોગી દેહની પ્રાપ્તિ થાય છે.
(ચ) અંતરમાં આવિર્ભાવ પામેલા ભગવાનની લીલાઓનો અનુભવ કરવાની સિદ્ધિ : યમુનાજીનો ભક્ત ભગવદ્લીલાઓનું અવલોકન જ તો કરી શકે છે. પરંતુ તેથી આગળ વધીને જ્યારે ઈચ્છે ત્યારે ભગવદ્લીલાઓનો અનુભવ કરી શકે એવી 'તલ્લીલાવલોકન', ની સિદ્ધિ તેને પ્રાપ્ત થાય છે.
(છ) વિરહાવસ્થામાં પણ સર્વત્ર ભગવાનને જોવાની શક્તિ : ઉદ્ધવજી વ્રજમાં ગયા. ગોપીજનોને મળ્યા. કૃષ્ણનો સંદેશ આપવા લાગ્યા. ગોપીજનોએ કહ્યું : "અમારો કૃષ્ણ અમને છોડીને ગયો છે જ ક્યાં? અને કૃષ્ણની ગોવારણ આદિ બધી લીલાઓ તેઓ પ્રત્યક્ષ થતી હોય તેમ કરી બતાવે છે. વસ્તુતઃ તેમને વિરહમાં પણ સંયોગનો અનુભવ થાય છે. એ તેમણે પ્રાપ્ત કરેલી અનોખી સિદ્ધિ છે.
(જ) ભાવાત્મક ભગવાનના સ્વરૂપમાં તન્મય બનીને ભગવદરસના અનુભવને મેળવવાની સિદ્ધિ અને
(ઝ) બહાર પ્રભુનું પ્રાકટ્ય થાય એવી અપેક્ષા રાખ્યા વગર અંતરમાં અને અંતરમાં જ પ્રભુની ભાવના થાય તેવી સિદ્ધિ.
શ્રીયમુનાજી નિજ ભક્તોને આવી આઠ અલૌકિક સિદ્ધિઓનું દાન કરે છે.
(૨). નિજ જળમાં શ્રીકૃષ્ણના ચરણારવિંદની રજ પ્રચુર માત્રામાં હોવાથી યમુનાજીમાં સ્નાન કરનાર જીવોના દેહનો સેવાપયોગી બનાવી આપવાની ક્ષમતા ધરાવતાં યમુનાજી -
શ્રીકૃષ્ણ ચરણારવિંદની રજ થકી શોભી રહેલાં શ્રીયમુનાજીનાં શ્રીકૃષ્ણના ચરણરજના પ્રતાપે અલૌકિક ઐશ્વર્ય આવી ગયું છે. કૃષ્ણ ચરણરજ પતિત પાવન છે જ. જીવો યમુના જળમાં સ્નાન કરે ત્યારે તેમનો દેહનો સંબંધ તે ચરણરજ સાથે થતાં તેમનો દેહ નિષ્પાપ બને છે. દેહ અત્યંત પવિત્ર બનતાં, તે કૃષ્ણસેવા માટે ઉપયોગી બની જાય છે.
જ્યાં સુધી દેહમાં દોષ રહે, જ્યાં સુધી દેહ વિષયાક્રાંતા રહે ત્યાં સુધી તેમાં પ્રભુનો આવેશ ન થાય. દેહમાંથી વિષયાસક્તિને દૂર કરનાર શ્રીયમુનાજી છે. વિષયાસક્તિ દૂર થતાં દેહ પ્રભુના આવેશ માટે યોગ્ય બને છે.
અત્રે "શ્રીકૃષ્ણ ચરણારવિંદની રજ" એવું ન કહેતાં 'મુરારિ પદ પંકજની રજ' એવા શબ્દો સહેતુક વાપર્યા છે. મુરારિ એટલે મુર નામના દૈત્યનો અરિ એટલે કે કૃષ્ણ. પરંતુ અહીં મુરારિ શબ્દ દ્વારા એક વિશેષ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને તે એ કે "મુર નામે જલદોષને દૂર કરનાર કૃષ્ણ."
નરકાસુરે ૧૬,૦૦૦ રાજકન્યાઓને કેદમાં રાખી હતી. તેઓ કૃષ્ણ મિલનની કામના કરતી હતી. પરંતુ કૃષ્ણ સાથેના તેમના મિલનમાં અંતરાય રૂપ હતો નરકાસુરનો પાંચ મસ્તકવાળો મુર નામનો સેનાપતિ. નરકાસુરના નગર ફરતી ઊંડા જળની ખાઈમાં તે દાનવ રહેતો હતો. તેથી ખાઈનું અથાગ જળ દૂષિત બની ગયું હતું. અને તે રાજકન્યાઓ અને કૃષ્ણ વચ્ચેના મિલનમાં અંતરાય રૂપ બની ગયું હતું. ભગવાન કૃષ્ણે ખાઈના જળમાં દોષરૂપ બની બેઠેલા મુર દાનવનો વધ કર્યો. પરિણામે જળદોષનું નિવારણ થયું. જળ પવિત્ર બન્યું અને ૧૬,૦૦૦ રાજકન્યાઓનું કૃષ્ણ સાથેનું મિલન શક્ય બન્યું. આમ જળદોષનું નિવારણ થતાં ભક્ત અને ભગવાનનું વચ્ચેનું મિલન શક્ય બની જાય છે. એવો ભાવ છે.
આ ભાવને વ્યક્ત કરવા માટે અહીં મુરારિ શબ્દ વપરાયો છે. યમુનાજીના એક કિનારે મથુરા અને સામે કિનારે ગોકુળ છે. મથુરામાં પ્રકટ થયેલ કૃષ્ણ અને ગોકુળમાં વસતાં ગોપીજનો વચ્ચેના મિલનમાં યમુનાનું જળ અંતરાય રૂપ બની શકે. પરંતુ યમુના જળમાં કોઈ દોષ નથી. તે સર્વથા નિર્દોષ છે. તેથી મસ્તક ઉપર બાલકૃષ્ણને પધરાવીને શ્રીગોકુલ જતા વસુદેવજીને યમુના જળે માર્ગ કરી આપ્યો. એ રીતે કૃષ્ણ અને વ્રજવાસીઓના મિલનનો માર્ગ પ્રશસ્ત બન્યો. આમ આ શ્લોકમાં મુરારિ શબ્દ દ્વારા જલદોષ નિવારણનો ભાવ વ્યક્ત થયો છે.
(૩). યમુનાજીના કિનારા ઉપર ઊગેલાં સુગંધીદાર ફૂલોની સુગંધથી સુગંધિત બનેલાં જળરૂપ યમુનાજી, ભગવાન કૃષ્ણની માફક, સુર અને અસુરોથી સેવાયેલાં છે -
શ્રીયમુનાજીના તટ ઉપર નવાં નવાં કાનન (વન) છે. તેમાં અનેક સુગંધીદાર પુષ્પોવાળા વૃક્ષો છે. તે વૃક્ષો ઉપર ઊગેલા પુષ્પોની સુગંધ યમુનાજળ ઉપર પ્રસરી જતાં. યમુનાજીનું જળ જે પવિત્ર તો હતું જ તે સુગંધીદાર પણ બને છે. અર્થાત શ્રીયમુનાજીનું આધિભૌતિક જળ રૂપ પવિત્ર અને સુગંધીદાર છે. એવું કહેવાનો આશય છે.
એવાં એ યમુનાજીની સેવા સુર-અસુરોએ કરી છે. સુર અને અસુર શબ્દોથી સ્વાભાવિક રીતે જ દેવ અને દાનવનો બોધ થાય છે. પરંતુ અહીં એવો અર્થ લેવાનો નથી, સુર કહેતા ઈન્દ્રાદિક દેવો અને અસુર કહેતા પ્રહલાદજી જેવા અસુરો દ્વારા તેઓ સેવાયેલા છે એવો અર્થ અહીં લેવાનો નથી. અલબત્ત ભગવાન કૃષ્ણ અને ભગવતી શ્રીયમુના મહારાણીજીની સેવા (આરાધના) દેવો અને દાનવો પણ કરે જ છે. પરંતુ અહીં સુર-અસુરનો બીજો વિશેષ અર્થ લેવાનો છે.
ભગવાન કૃષ્ણની સ્વામિનીજીઓ બે પ્રકારનાં છે. તેમાં કેટલાક સર્વાત્મભાવવાળા સત્ત્વિક હોવાથી સુર કહેવાય છે. અને બીજાં કેટલાક કામ-ભાવવાળાં તામસ હોવાથી અસુર કહેવાય છે. આ રીતે સુર અને અસુર બન્ને પ્રકારનાં વ્રજસિમન્તિનીઓએ યમુનાજીની આરાધના (પૂજા) કરી છે. અને પછી પુષ્પોના આભરણથી પ્રભુ શ્રીકૃષ્ણને શૃંગાર પણ કર્યા છે. એ બન્ને પ્રકારનાં ગોપીજનોનાં, પ્રભુ પૂજન કરવામાં, ભિન્ન ભિન્ન ભાવ રહેલો છે. સુરમાં દૈન્યભાવ અને અસુરમાં માનવભાવ હતો. દૈન્યભાવવાળાં સ્વામિનીજીઓએ પ્રભુના પ્રાકટ્ય માટે અને માનભાવવાળા સ્વામિનીજીઓ અને અનુનય માટે એટલે કે રીસામણાં-મનામણાં કરવાના ભાવ વડે પ્રભુનું પૂજન કર્યું છે.
અહીં પૂજન એટલે ભગવદ્ પરાયણ બનીને ભગવાનને અનુસરવું એવો અર્થ છે.
આ શ્લોકમાં "સુરાસુર સુપૂજિત સ્મરપિતુ:" શબ્દો છે. એટલે કે આ બન્ને પ્રકારનાં (સુર-અસુર) સ્વામીનિજીઓ દ્વારા સારી રીતે પૂજાયેલા સ્મરના પિતા (કૃષ્ણ) આવો અર્થ થાય છે.
(૪) સ્મરના પિતા (કૃષ્ણ) ની શોભાને ધારણ કરનારાં : સ્મર એટલે કામદેવ. મહાદેવના ત્રીજા નેત્રમાંથી નીકળેલ અગ્નિ જ્વાળામાંથી કામદેવ બળી ભસ્મ થતાં તે અશરીરી (અનંગ) બન્યો. રતિની પ્રાર્થનાથી, કામદેવ, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પ્રકટ થતાં, તે પુન: શરીરી બન્યો. તેથી પ્રદ્યુમ્ન (સ્મર) ના પિતા એટલે કૃષ્ણ એવો અર્થ થાય.
પરંતુ અહીં સ્મર પિતુ: નો બીજો અર્થ પણ લેવાનો છે. અર્થાત સ્મરણમ્. સ્મર એટલે કે સ્મરણ એ જ સ્મર છે. અને એ સ્મરણના જનક (પિતા) એટલે સ્મર પિતુ: એવો અર્થ લેવાનો છે, જે સ્મરણ કરાવે તે સ્મરણનો જનક (પિતા) કહેવાય. ભગવાન શાનું સ્મરણ કરાવે છે? ભગવાને એક સ્થળે કહ્યું છે કે "પહેલાં જે નિષ્કામ હોય તેને પણ મારું સ્મરણ થતાં તે સકામ બને છે." બીજી રીતે જોતાં, મોર મુકુટ કટી કાછિની ધારણ કરનાર ભગવાન કૃષ્ણની શોભાને જોતાંજ, જોનાર ભગવદીયને યમુનાજીના એવા જ શ્યામમનોહર સ્વરૂપનું સ્મરણ થાય છે, એવો ભાવ સમજવો.
આથી, સ્મર પિતુ: શ્રિયં બિભ્રતીમ એટલે (૧) પ્રદ્યુમ્નના પિતા કૃષ્ણ અને (૨) સ્મરણના જનક કૃષ્ણ - એવા કૃષ્ણની શોભાને ધારણ કરનાર શ્રીયમુના મહારાણીજી છે.
શ્રીયમુનાજી કૃષ્ણની શોભા ધારણ કરે છે એવું કહ્યું. એ અર્થમાં યમુનાજીની શોભાનું વર્ણન કરતાં શ્રીહરિદાસજી આ પ્રમાણે કહે છે -
કૃષ્ણાં, કૃષ્ણસમાં, કૃષ્ણરૂપાં, કૃષ્ણરસાત્મિકામ્।
કૃષ્ણલીલામૃત જલાં, કૃષ્ણસંબંધ કારિણીમ્।।
કૃષ્ણ પ્રિયાં, કૃષ્ણમુખ્ય રસ સંગમ દાયિનીમ્।
કૃષ્ણ ક્રીડાશ્રયાં, કૃષ્ણ પદવી પ્રાપિ કામયી।।
યમુનાજી કેવાં છે? તેમનો કૃષ્ણના જેવો શ્યામ વર્ણ છે; કૃષ્ણના જેવો દેખાવ અને ઐશ્વર્ય છે; કૃષ્ણનાં જેવું સ્વરૂપ છે; કૃષ્ણરસથી ભરેલાં છે; કૃષ્ણલીલાનાં સાક્ષીભૂત છે; કૃષ્ણના પ્રિયા છે; કૃષ્ણની સમસ્ત ક્રીડાઓના આશ્રયરૂપ છે. આથી વિશેષ શું જોઈએ છે? શ્રીયમુનાજીને જોઈને સ્વયં કૃષ્ણ વિચારતાં હશે કે "હું કૃષ્ણ છું કે યમુનાજી કૃષ્ણ છે?"
આવું સમજીને શ્રીવલ્લભે યમુનાજી માટે કહ્યું કે તેઓ સ્મરપિતુ: શ્રિયં બિભ્રતીમ છે. પરંતુ, યમુનાજી તો કૃષ્ણનાં પ્રિયા છે; સ્ત્રી સ્વરૂપ છે; તેમ છતાં આપણે તેમનું જે ચિત્ર સ્વરૂપ જોઈએ છીએ તેમાં તો મોટે ભાગે તેઓ, સાડી, ચણીયો, ચોળી ધારણ કરવાને બદલે મોરમુકુટ કટી કાછિની ધારણ કરેલાં દેખાય છે. કૃષ્ણ પરબ્રહ્મ છે. પરંતુ યમુનાજીનું એ સ્વરૂપ જોઈને તેઓ બ્રહ્મ હોવા છતાં ભ્રમમાં પડી જાય છે.
શ્રીયમુનાજીએ શ્રીવલ્લભને સાડી, ચણીયો, ચોળી આદિ વસ્ત્રો અને સ્ત્રીયોચિત આભૂષણોથી વિભૂષિત સ્વરૂપે દર્શન આપ્યા હતાં; પરંતુ આજે તેઓ મોરમુકુટ કટી કાછિની આદિ વસ્ત્રાલંકારોથી વિભૂષિત સ્વરૂપે દેખાય છે. અને એ રીતે તેઓ કૃષ્ણની શોભાને ધારણ કરે છે. એવું શા માટે?
તે જાણવા માટે આપણે કૃષ્ણની અપ્રકટ લીલાઓમાંથી એક અપ્રકટ લીલા જાણવી પડશે. જો તે અપ્રકટ છે તો તેને પ્રકટ કોણે કરી? એ લીલાને પ્રકટ કરનાર છે શ્રીકૃષ્ણના દ્વિતીય સ્વામિનીજી (ચંદ્રાવલીજી) સ્વરૂપ શ્રીગુસાંઈજી. આપશ્રીએ સાનુભાવથી જાણેલ આ અપ્રકટ લીલા તેમણે નિજ સેવકોને બતાવી છે. સંક્ષેપમાં હું તમને તે કહીશ :
માનલીલામાં હંમેશા શ્રીરાધા સ્વામિનીજી માન કરે અને કૃષ્ણ તેમનું માન છોડાવે. એક દિવસ સ્વામિનીજીએ નૌતમ (અનોખી) લીલા કરી. શ્રી કૃષ્ણ માન કરે અને પોતે તેમનું માન છોડાવશે એવું તેમણે કહ્યું. શૃંગારરસની મર્યાદા અનુસાર સ્ત્રી જ માન કરે; પુરુષ નહીં. આથી જો કૃષ્ણે માન કરવાનું હોય તો તેમણે સ્ત્રી બનવું પડે. - તેથી તેમણે સ્ત્રીનો (સ્વામિનીજીનો) પોષાક ધારણ કર્યો. અને સ્વામિનીજીએ પુરુષનો (કૃષ્ણનો) પોષાક ધારણ કર્યો. પછી નૂતન માનલીલા શરૂ થઈ.
સ્વામિનીજીએ ઘણા હાવભાવ કર્યા; પરંતુ કૃષ્ણ ન મનાયા. થાકીને તેઓ શ્રીયમુનાજી પાસે ગયાં. અને તેમને વિનંતી કરી. "યમુને, વિરહાગ્નિમાં બળતી મને બચાવવા માટેનો એકજ ઉપાય છે. અને તે એ કે તું કૃષ્ણને માન છોડાવે." આથી -
કમલ લિયે કર કમલમેં, માલા લીની સંગ.
ચલિ ગિરિવરધરનકોં મોહિત કોટિ અનંગ.
યમુનાજી પોતાના અતિ અદ્ભુત સ્વરૂપે, કરોડો અનંગને પણ મોહિત કરે તેવા સ્વરૂપે, શ્રીહસ્તમાં કમળમાળા લઈને, કૃષ્ણનું માન મુકાવવા માટે જવા તૈયાર થયા. ત્યારે શ્રીસ્વામિનીજીએ પોતે ધારણ કરેલ પુરુષનો (કૃષ્ણનો) પોશાક શ્રીયમુનાજીને પરિધાન કરાવ્યો. રંગે તો યમુનાજી શ્યામ હતાં જ (કૃષ્ણવર્ણનાં); હવે શોભામાં પણ કૃષ્ણની શોભા ધારણ કરતાં થયાં. મોર મુકુટ, કટિકાછની ધારણ કરેલ સ્વરૂપે તેઓ સાક્ષાત કૃષ્ણ સમાં દિશતાં હતાં. એ સ્વરૂપે હવે તેઓ માન કરતા કૃષ્ણની પાસે ગયાં. હુબહુ પોતાના જ સ્વરૂપે તેમને જોઈને કૃષ્ણ નિજ સ્વરૂપા યમુનાજી ઉપર મોહિત થઈ ગયા અને માન ભૂલી, ભાન ભૂલી, નિજ તુર્ય પ્રિયાને ભેટી પડ્યા.
માનલીલા પુરી થઈ. યમુનાજીએ પોતાનો પોષાક બદલવા તૈયારી કરી. શ્રીસ્વામિ-સ્વામિનીજી બન્નેએ તેમને તેમ કરતાં અટકાવ્યા. તેમણે કહ્યું, "તમે હંમેશા આ સ્વરૂપે રહો." કદાચ એટલા માટે જ આપણી સમક્ષ યમુનાજીનું જે સ્વરૂપ છે તે કૃષ્ણની શોભા ધારણ કરતું - કટિકાછિનીમય સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ ઘનશ્યામ મનોહર મોહિની સ્વરૂપ છે. કાલિંદીજીનો પણ એવોજ, ઘનશ્યામ મોહિની જેવો વર્ણ છે. રૂપે અને ગુણે બન્ને એક સમાન છે; અને માહાત્મ્ય પણ બંનેનું એક સરખું છે.
યમુનાષ્ટકના પહેલા શ્લોકમાં શ્રીયમુનાજીના સકલ સિદ્ધિ દાતૃત્વ રૂપી પ્રથમ ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
શ્યામસુંદર શ્રીયમુને મહારાણી કી જય!
Comments