સર્વોત્તમજીનું યશોગાન
પુષ્ટિ સેવા પ્રકારમાં શ્રીઠાકોરજીને ભોગ ધરતી વખતે શ્રીવલ્લભની કાની અપાય છે. કારણ કે, શ્રી ઠાકોરજીને જે સામગ્રી ધરવામાં આવે છે તેમાં શ્રીવલ્લભનો સંબંધ શ્રીવલ્લભની કાની થકી જ થાય છે. અને એ શ્રીવલ્લભના સંબંધ વડે જ એ સામગ્રીનો અંગીકાર થાય છે. ખરેખર, પુષ્ટિમાર્ગમાં શ્રીવલ્લભના સંબંધ વગર પુષ્ટિમાર્ગનું કોઇપણ ફળ મળતું જ નથી. કારણ કે, પુષ્ટિ પુરૂષોત્તમ પણ શ્રીવલ્લભને જ વશ છે.
મર્યાદા માર્ગમાં પ્રભુને ધરાવેલ સામગ્રી સાક્ષાત નહિં પણ દ્રષ્ટિથી જ આરોગે છે, જ્યારે પુષ્ટિ પુરૂષોત્તમ તો શ્રીવલ્લભના સંબંધવાળી દરેક સામગ્રી પ્રસન્નતાથી અંગીકાર કરે છે. કારણ કે, પુષ્ટિમાર્ગ એટલે પ્રેમમાર્ગ છે. શુષ્ક (કોરો) જ્ઞાન માર્ગ નથી. શ્રીહરિરાયજી મહાપ્રભુજી પણ કીર્તનમાં કહે છે : “રતિપથ પ્રકટ કરણ કો, પ્રકટે કરૂણાનિધિ શ્રીવલ્લભ ભુતલ.” એટલે શ્રીવલ્લભના સંબંધવાળી બધી જ વસ્તુ શ્રીઠાકોરજીને પ્રિય છે. તેવી જ રીતે શ્રીઠાકોરજીનો અનન્ય આશ્રય રાખનારા વૈષ્ણવો પણ શ્રીઠાકુરજીને અતિ પ્રિય હોવાથી શ્રીગુસાંઇજીએ શ્રીસર્વોત્તમમાં “અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ” આવું નામ કહે છે. શ્રીવલ્લભ તાપ ભાવત્મક સ્વરૂપ છે. અને એ સ્વરૂપને આશ્રયે જે રહે છે તેનામાં આ ભાવાત્મક સ્વરૂપ બિરાજી રહ્યું હોય છે. આ તાપાત્મક સ્વરૂપ અતૃપ્તતા જ રહે છે. કારણ કે, નિત્ય લીલાસ્થ કોટી કંદર્પથી અધિક લાવણ્ય સૌંદર્ય અને રસાત્મક અનંત સામગ્રીયુક્ત સ્વરૂપના સાક્ષાત્ અનુભવમાં (ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક) જેટલા પ્રતિબંધો છે તેનો નાશ કરવા “શ્રીસર્વોત્તમજી” સમર્થ છે.
અવતાર લીલામાં ભક્તોની અવિદ્યા તામસ પ્રમાણ પ્રકરણ મુજબ ગૌચારણ લીલાથી દૂર કરી (ગૌચારણ એટલે ગાયો નહિં) ઇન્દ્રિયોને આધ્યાત્મિક બનાવીને વિનિયોગ સમયે મન પ્રભુમાં જોડાયેલું રહેવાથી ઇન્દ્રિયો સહિત મન જે આધ્યાત્મિક તત્વરૂપ છે તેની શુદ્ધિ થતાં અવિદ્યા દુર થયા પછી આધિદૈવિક પ્રતિબંધ શ્રીગિરિરાજ ધારણ કરી દુર કર્યા, આમ ત્રણ પ્રકારના પ્રતિબંધો દુર થવાથી મહારાસ સમયે નિત્ય લીલાસ્થ પૂર્ણાનંદ સ્વરૂપનો શ્રીગોપીજનોને અનુભવ થયો. એવી જ રીતે શ્રીસર્વોત્તમજીનું લીલાચિંતન કરવાથી શ્રીમહાપ્રભુજી સ્વરૂપાનંદનું દાન કરે છે.
પ્રભુ તરફ સાક્ષાત્ પ્રિતિ થયા પછી વેદની વાત જીવનમાં રહેતી જ નથી. પુષ્ટિસ્થ જીવ વેદની પરવા કરતો જ નથી. કારણ કે, ભગવદરસના આસવનો નશો ચડેલા જીવને જગત પ્રપંચનું કોઇ જ્ઞાન હોતું જ નથી. વેદ કે લોકશૃંખલાને તોડીને ભગવદ્ ચરણારવિંદમાં રચ્યો-પચ્યો જ રહે છે. બીજું કશું ભાન રહેતું નથી. આવી સ્થિતિ બહું જ દુર્લભ છે. પણ આ સ્થિતિ તો “પર”ના અનુગ્રહને આધિન છે. એને માટે ભગવદ્સંબંધ અને ભગવદ્ વિચાર, કૃતિ ખૂબ જ આવશ્યક છે. પ્રભુના શ્રીમુખથી જે વેણુનાદ થઇ રહ્યો છે તે જ પુષ્ટિમાર્ગમાં વેદ કે શ્રુતિ ગણાય છે.
અનંત પ્રકારની રસાત્મક લીલાઓ લીલાધામમાં થઇ રહી છે. તે લીલા સંબંધી 108 નામ અને એ નામનું જોડાણ અખંડ નિત્ય લીલાધામની દિવ્ય લીલાઓ સાથે રહેલું છે. ભાગવતાર્થ નિબંધમાં પણ આપશ્રીએ આજ્ઞા કરી છે કે : “ભગવતનામ અવતાર તુલ્ય કામ કરનારૂં છે.” સર્વોત્તમજી આપણને ફલિત કેમ થાય ? તેનો પ્રકાર શ્રીગુસાંઇજી ફલશ્રુતિના 34 માં શ્લોકમાં જણાવે છે. શ્રીસર્વોત્તમજીનું અનન્ય ભાવથી પઠન કરવાથી દુર્લભ અધર સુધારૂપ સિદ્ધિ નિઃસંદેહ પ્રાપ્ત થાય છ. કારણ કે, નામ અને નામી અભેદ છે.
Comments